ભવનાથને મેળે જાવું છે [2]
શિવરાતને મેળે જાવું છે [2]
મારે મરઘી કુંડમાં ન્હાવું છે
શિવજીને મેળે જાવું છે
— ભવનાથને મેળે

ભવનાથ તળેટીનો મેળો [2]
ગિરનારની છાયાનો મેળો [2]
શિવ ભક્તિમાં રંગાવુ છે
શિવજીને મેળે જાવું છે
— ભવનાથને મેળે

જ્યાં ધૂન ભજનની બોલે છે [2]
હરિહરની હાલક બોલે છે [2]
ઈ ગતગંગામાં ન્હાવું છે
શિવજીને મેળે ન્હાવું છે
— ભવનાથને મેળે

દરશનીયા સાધુ જોગીના [2]
ને ભક્તો પ્રેમ વિયોગીના [2]
રંગ ભગવામાં રંગાવું છે
શિવજીને મેળે જાવું છે
— ભવનાથને મેળે

રહે રાખ સિદ્ધ ચોર્યાશીના [2]
જ્યાં આસન છે સુખરાશીના [2]
કરી દરશન ને ધન થાવું છે
શિવજીને મેળે જાવું છે
— ભવનાથને મેળે

જ્યાં દત્તગુરુના આસન છે [2]
જતિ ગોરખ તણા વિરાસન છે [2]
પડી પાયે પાવન થાવું છે
શિવજીને મેળે જાવું છે.
— ભવનાથને મેળે

વહેતી ગૌમુખી ગંગા છે [2]
સિદ્ધ સાધકના ઘર ચંગા છે [2]
ખૂબ હરીફરી હરખાવું છે
શિવજીને મેળે જાવું છે
— ભવનાથને મેળે

મરઘી કુંડ પાપ પ્રજાળે છે [2]
દામોકુંડ પાતક બાળે છે [2]
એમાં નિર્મળ થાવા જાવું છે
શિવજીને મેળે જાવું છે
— ભવનાથને મેળે

આવો આવો કે અલગારી
ભવનાથનો મેળો છે ભારી
ગુતાન બનીને ગાવું છે
શિવજીને મેળે જાવું છે
— ભવનાથને મેળે

ૐ નમઃ શિવાય


Scroll to Top